સાદ પાડો, સાદ સાંભળનારી સાદરાવાળી મા જક્ષણી બેઠી છે.
હાથ લંબાવો, હાથ પકડનારી જગમાતા સાદરામાં બેઠી છે.
પૂનમો ભરો કે રવિવાર, પણ જે ભરો તે હૈયાની સાચી શ્રધ્ધાથી ભરજો ,
કામ બની જશે, સપનાં સિદ્ધ થશે ને ઈચ્છાઓના પરિણામ પ્રગટશે.
કોઈ એ ખુબ સાચુ જ કહ્યું છે કે -‘સાદરા માં બીજું કશુ જ ના હોત ને કેવળ એક જક્ષણીમાતાનું મંદિર જ હોત તો પણ સાદરા અમારે મન યાત્રાધામ છે.’ શ્રી જક્ષણી માતાના આ સદીઓ પૂરાણા મંદિરની ઉત્પત્તિનો ઇતિહાસ પણ અદભૂત છે. એકવાર સાબરમાં ઘોડાપૂર આવ્યું અને જક્ષણીમાતા પૂરાણા મંદિર પર ફરી વળીને માતાજીની મૂર્તિને ઢસડવા લાગ્યું ત્યારે ‘સેવકરામ’ નામના તપોધનએ પૂરમાં ઝંપલાવી માતાજીની મૂર્તિને બાથમાં લઈ લીધી અને બચાવી લીધી એ સાહસના પુણ્યફળે આજે એમના જ વંશજો પાસે મંદિરમાં માતાજીની પૂજાનો હક અબાધિત રહ્યો છે.
શ્રી જક્ષણી માતાનું પવિત્ર સ્થાન સાબરમતી નદીના તટ પર આવેલા સાદરા ગામની શોભા સમું છે. આ સ્થાનની આજુબાજુ નાની મોટી ટેકરીઓની હારમાળા છે અને નદીની સાન્નિધ્યમાં જ આ દેવાલય આવેલું હોવાથી પ્રાકૃતિક શોભાની દ્રષ્ટી એ અતિરમ્ય ભાસે છે. અમદાવાદના ગર્ભશ્રીમંત સર ચીનુભાઇ બેરોનેટના પિતાશ્રી માધવલાલને શ્રી જક્ષણીમાતાની કૃપા પ્રાપ્ત થઈ હતી અને તેથી તેમણે સંવત ૧૯૫૦ (ઈ. સ. ૧૮૯૪)માં જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી આ વિશાળ ભવ્ય મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવ્યા હતા. ઘુમ્મટ વિનાનું, છાપરાવાળું , આ મંદિર બહારથી કદાચ કોઈને બહુ આકર્ષક ન લાગે, પરંતુ અંદર જઈને એક્વાર માતાજીની મૂર્તિ સામે આંખ માંડે પછી ત્યાંથી ખસવાનું મન ન થાય એવી અંદરના ભાગની રમણીયતાને ભવ્યતા છે ! અત્યારે માતાજીની કૃપાથી ચાંદીનું સિંહાસન અને આખું ગર્ભગૃહ ચાંદીથી શોભે છે. આ ઉપરાંત કુંભચોક અને શ્રી અન્નપુર્ણા કેન્દ્ર જક્ષણી ધામની શોભા વધારે છે, રાત્રે ફલડ લાઈટના અજવાળે સાબાર કિનારે જક્ષણીધામ દીવાદાંડી સમાન લાગે છે.
આધશક્તિ ‘મા’ અંબા ભવાનીના શરણમાં જવાથી જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. આધી, વ્યાધી, ઉપાધીના ત્રિવિધ તાપમાંથી મુક્ત થવા માટે ‘મા’ જગદંબા જક્ષણી નું શરણું એક ઉતમ ઔષધી છે. નદીકિનારે ટેકરી ઉપર બિરાજતાં ‘મા’ જક્ષણીની અમીભરી દ્રષ્ટી અને દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી સંસારી જીવો પાવન બને છે. જીવનની સાફલ્યતાનો અનુભવ થાય છે .
સંસારમાં કોઈનેય શાંતિ નથી. શાંતિ એને જ મળે છે. જેને ‘મા’ ના દર્શનની લગન છે. શાંતિ એને જ મળે છે જે ‘મા’ ના મનોહર મુખડાંનાં દર્શન કરી સદાય માના સ્મરણમાં મસ્ત રહે છે.
પૂ. શ્રી કેશરભવાની મહારાજે કહ્યુ હતુ કે : ‘મે દેશવિદેશ સહિત અનેક સ્થળોએ ભાગવત સપ્તાહો કરીછે, પણ અહીં સાદરમાં સાબરના તટે જગદંબા જક્ષણીના મંદિરના પ્રાગણમાં જે દિવ્ય પ્રસન્નતા થઈ હતી તે સાચેજ અજોડ અને શબ્દાતીત છે !’
જે ‘મા’ નો બની જાય છે, એની બની જાય છે ‘મા’ ! હૈયાનાં ઊડાણમાંથી પરમેશ્વરી માટે ‘મા’ શબ્દ પ્રગટશે તો એની પ્રતિધ્વની ઊઠયા વિના નહીં રહે.
|